ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મામલે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપતા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે.


ક્લાઈમેટ ચેન્જની સીધી અસર

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. આ કુદરતી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે.

નુકસાનીના સર્વે માટે આદેશ

ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "અમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. કયા જિલ્લામાં કેટલું નુકસાન થયું છે, તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે."

સહાય અંગે ટૂંક સમયમાં નિર્ણય

તંત્ર દ્વારા નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોની પડખે છે અને નિયમ મુજબ યોગ્ય વળતર આપવા માટે કટિબદ્ધ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કેબિનેટમાં આ અંગે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Surat: એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી 2 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, 3ની ધરપકડ


  • Follow us on: