સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ દરમિયાન અંદાજે 2 કિલો જેટલો કિંમતી હાઈબ્રિડ (હાઈડ્રોપોનિક) ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છે.
સીટ બેકરેસ્ટમાં છુપાવ્યા હતા ડ્રગ્સના પેકેટો
મળતી વિગતો અનુસાર, ફ્લાઈટ નંબર IX-263 માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી કસ્ટમ્સ વિભાગને મળી હતી. જેના આધારે AIU યુનિટે સમગ્ર વિમાનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેસેન્જર સીટની પાછળના ભાગે એટલે કે બેકરેસ્ટમાં છુપાવેલા ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા. કસ્ટમ્સ દ્વારા કુલ 1972.20 ગ્રામ (લગભગ ૨ કિલો) હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
સુરતથી દિલ્હી મોકલવાનું હતું નેટવર્ક
આ ડ્રગ્સનો જથ્થો સુરતથી ડોમેસ્ટિક ફ્લાઈટ (IX-1264) મારફતે દિલ્હી મોકલવાની પેરવી કરવામાં આવી રહી હતી. જોકે, દિલ્હી પહોંચે તે પહેલા જ સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની સતર્કતાને કારણે આ રેકેટ પકડાઈ ગયું હતું. પકડાયેલા ત્રણેય મુસાફરો મૂળ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી
કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને દિલ્હીમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હવે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: સુરક્ષા અને પોલીસ તૈનાત હોવા છતાં શ્વાન મેટ્રો ટ્રેક પર પહોંચી ગયું