અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પળવારના આવેશમાં આવીને પોતાની જ સગી જનેતા અને પત્ની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. ઘરના સભ્યો પર હુમલો કર્યા બાદ યુવકે ઘરમાં તોડફોડ પણ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘરમાં તોડફોડ બાદ છરીથી ઝીંક્યા ઘા

મળતી માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં આવેલા 'અલ શુકુન-02' એપાર્ટમેન્ટ નજીક આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફૈજાન નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલી ચીજવસ્તુઓની તોડફોડ શરૂ કરી હતી. ઉશ્કેરાટ એટલો હદ વટાવી ગયો હતો કે તેણે પોતાની માતા અને પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો. ફૈઝાને માતા અને પત્નીના હાથ તથા પગના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે બંને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

સોલા સિવિલમાં સારવાર હેઠળ, પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતા અને પત્નીને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનાર માતાએ પોતાના જ પુત્ર ફૈજાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી ફૈજાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી