અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત કાર્યરત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના રાયખડ વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરમાં ગેરકાયદે હથિયારોની ઘૂસણખોરી પોલીસ માટે એક મોટો પડકાર બની રહી છે.
બાતમીને આધારે દરોડા પાડ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાયખડ વિસ્તારમાં એક વ્યક્તિ પાસે શંકાસ્પદ હથિયાર છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે હથિયારો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.
શોખ બન્યો ગુનો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સામાન્ય રીતે હથિયારોનો ઉપયોગ લૂંટ, ધાકધમકી કે અન્ય ગંભીર ગુનાઓ માટે થતો હોય છે, પરંતુ આ આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ પિસ્તોલ માત્ર પોતાના 'શોખ' માટે રાખી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેને હથિયાર રાખવાનો ક્રેઝ હતો, જેના કારણે તે કાયદાની વિરુદ્ધ જઈને આ પગલું ભર્યું હતું.
આગ્રા-રાજસ્થાનનું કનેક્શન
હથિયાર ક્યાંથી આવ્યું તે અંગેની તપાસમાં આરોપીએ વટાણ્યુ કે તે આ પિસ્તોલ આગ્રા અને રાજસ્થાનની બોર્ડર પરથી લાવ્યો હતો. આ વિસ્તાર ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કુખ્યાત માનવામાં આવે છે. આરોપી આ હથિયાર અમદાવાદ સુધી કેવી રીતે લાવ્યો અને રસ્તામાં ચેકપોસ્ટ પરથી કેવી રીતે બચી ગયો, તે પોલીસ માટે તપાસનો વિષય છે.










