અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરને દબાણમુક્ત કરવાના અભિયાન હેઠળ આવતીકાલે એટલે કે 2જી જાન્યુઆરીએ વટવા વિસ્તારમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનર વટ તળાવની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો પર આવતીકાલે સવારથી જ મનપાનું બુલડોઝર ફરી વળશે.

સુરક્ષા સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે

વટવામાં કરવામાં આવતા ડિમોલેશન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઓપરેશનમાં 500 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા કવચ પૂરું પાડશે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના 300 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં સીધા સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિમોલેશન માટે જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનરીનો કાફલો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

શા માટે આ ડિમોલેશન જરૂરી બન્યું?

વાનર વટ તળાવની જમીન સરકારી હોવા છતાં છેલ્લા લાંબા સમયથી અહીં અનેક કાચા-પાકા મકાનો અને વ્યાવસાયિક એકમો ખડકાઈ ગયા હતા. જેના કારણે તળાવના બ્યુટિફિકેશન અને સાર્વજનિક વિકાસના કામોમાં અવરોધ ઊભો થતો હતો. સ્થાનિક રહીશોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી, છતાં દબાણો દૂર ન થતા હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના ત્રાગડ ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ, તંત્રના પાપે નાગરિકો પરેશાન