અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના સંકલનનો અભાવ જનતા માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહ્યો છે.અનેક વિસ્તારોમાં બંને વિભાગો દ્વારા સંયુક્ત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, પરંતુ પરસ્પર તાલમેલના અભાવે અને તંત્રની હુંસાતુંસીના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ નિંભર તંત્રની બેદરકારીનો તાજો નમૂનો ત્રાગડ ગામનું રેલવે ગરનાળું છે.
ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ
એક વર્ષથી કામગીરી ઠપ્પ ત્રાગડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રેલવે ગરનાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગે પોતાની જવાબદારી નિભાવતા રેલવે ટ્રેકની નીચે સુધીનું ગરનાળું તૈયાર કરી દીધું છે. પરંતુ, નવાઈની વાત એ છે કે છેલ્લા એક વર્ષથી આ કામગીરી આગળ વધી નથી. રેલવે લાઇન પછીના ભાગમાં કોર્પોરેશનની હદ શરૂ થાય છે, જ્યાં કામ અધવચ્ચે અટકી પડ્યું છે.
