અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રામેશ્વર મંદિરની આજુબાજુ નશાખોરોનો ત્રાસ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યો હતો. રાત્રિના સમયે મંદિર પાછળ અસામાજિક તત્વો ભેગા થવાના અને ખુલ્લેઆમ નશાખોરી થવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.પોલીસ તંત્ર આ દૂષણને ડામવામાં સદંતર નિષ્ફળ ગયું હતું. આ મામલે સંદેશ ન્યૂઝે આ સમગ્ર મુદ્દો ઉઠાવતા જ હવે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા

નશાખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સંદેશ ન્યુઝ દ્લારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા હવે રામેશ્વર મંદિર આસપાસ હવે કાયમી પોલીસ પેટ્રોલિંગ ગોઠવાયું છે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સંદેશના અહેવાલની અસરથી પોલીસની આ કાર્યવાહી બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

નશાખોરોનો અડ્ડો જામતો હોવાની ફરિયાદો

ઘાટલોડિયાના રામેશ્વર મંદિર પાછળ છેલ્લા કેટલાક સમયથી નશાખોરોનો અડ્ડો જામતો હોવાની ફરિયાદો ઉઠી રહી હતી.સાંજ પડતા જ કેટલાક તત્વો અહીં ભેગા થઈ નશાખોરી કરતા હોવાના આક્ષેપો હતા.મંદિર પાછળના વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને નશાખોરીના પુરાવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ બંને જોવા મળ્યા હતા.

 વારંવાર રજૂઆત છતાં કોઇ પગલાં લેવાતા ન હતા

સ્થાનિકોનો આરોપ હતો કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો ન હતો. ત્યારે સંદેશ ન્યૂઝે આ મુદ્દાને પ્રાથમિકતા આપીને અહેવાલ પ્રસારિત કર્યા બાદ આખું તંત્ર હરકતમાં આવ્યું છે.પોલીસે હવે રામેશ્વર મંદિર આસપાસ કાયમી પેટ્રોલિંગ ગોઠવ્યું છે અને ખાસ કરીને રાત્રિના સમયે પોલીસની હાજરી વધારી છે.

હવે પોલીસ સક્રિય

જો કે આમ છતાં હજું પણ દારૂની બોટલો મંદિરની બહાર જોવા મળી છે જેથી આવા નશાખોરો સામે પગલાં લેવા માંગ થઈ રહી છે.પોલીસની હાજરી વધતા હાલ વિસ્તારમાં નશાખોરોની હલચલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહે છે કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા સામે હવે પોલીસની સક્રિયતા દેખાઈ રહી છે અને તેથી થોડો વિશ્વાસ ઉભો થયો છે.

નશાખોરો સામે કડક કાર્યવાહી કરવી જરુરી

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે અને મંદિર આસપાસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જોકે હવે મોટો સવાલ એ છે કે માત્ર પેટ્રોલિંગ પૂરતું રહેશે કે નશાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને આ સમસ્યાનો કાયમી અંત લાવવામાં આવશે. કારણ કે મંદિર જેવી પવિત્ર જગ્યાની આસપાસ નશાખોરી સહન કરવામાં નહીં આવે તેવી સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે..


આ પણ વાંચો---    Gujarat Weather Update: 18 અને 19 માર્ચે ગાજવીજ સાથે માવઠાની આગાહી, ગરમીથી આંશિક રાહત મળશે