વિશ્વના કેટલાક દેશોમાં પગપેસારો કરી રહેલા ખતરનાક ઇબોલા વાયરસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા આગોતરા પગલાંરૂપે તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મુસાફરોનું સખત સ્ક્રીનીંગ

આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, ઇબોલા પ્રભાવિત મુખ્ય 3 દેશોમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું સખત સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. AMC આ મામલે એરપોર્ટ ઓથોરિટી અને સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગ સાથે સતત સંકલનમાં છે.

યુગાન્ડાથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા

તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં ઇબોલા પ્રભાવિત દેશ યુગાન્ડાથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં 9 ભારતીય નાગરિકો અને 2 યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ તમામ 11 લોકોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમનામાં ઇબોલાના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. તબીબી ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.

SVP હોસ્પિટલ ખાતે 60 બેડનો અદ્યતન ક્વોરન્ટાઈન વોર્ડ

સાવચેતીના ભાગરૂપે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે 60 બેડનો અદ્યતન ક્વોરન્ટાઈન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો એરપોર્ટ પર સ્ક્રીનીંગ દરમિયાન કોઈ પણ પેસેન્જરમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. AMCના આરોગ્ય વિભાગે નાગરિકોને ન ગભરાવા અને તકેદારી રાખવા અપીલ કરી છે.


આ પણ વાંચો----     Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ