દેશભરમાં ફ્રોડ કરીને રૂ. 104.15 કરોડ પડાવવાના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એજન્સીએ અમદાવાદની PMLA સ્પેશિયલ કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.
નકલી સરકારી નોટિસોના આધારે લોકોને ડરાવ્યા હતા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી
ફરિયાદમાં આરોપી તરીકે મકબુલ અબ્દુલ રહેમાન, કાશિફ મકબુલ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યા અને મિતેશ ઠક્કરના નામો સમાવેશ કરવામાં આવ્યા છે. તપાસ મુજબ આ આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં ફોન કોલ અને નકલી સરકારી નોટિસોના આધારે લોકોને ડરાવ્યા હતા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી.
સરકારી તપાસનો ભાસ ઉભો કરવામાં આવતો
ED અનુસાર આરોપીઓ નકલી CBI, TRAI અને EDની નોટિસો મોકલી લોકોને છેતરતા હતા. લોકો સામે ડર પેદા કરવા માટે સરકારી તપાસનો ભાસ ઉભો કરવામાં આવતો હતો અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કરાવતી ગેંગની ચેઇન કાર્યરત હતી. પીડિત પાસેથી વસુલેલી રકમના ફેક ચલણ/રસીદ પણ આરોપીઓ ઈશ્યૂ કરતા હતા. આરોપીઓએ નકલી પોલીસ સ્ટેશન બનાવી વીડિયો કોલ મારફતે લોકોને ડરાવી રુપિયા પડાવ્યા હતા.
કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરત SOG દ્વારા કરવામાં આવ્યો
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરત SOG દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાયબર રેકેટના અનેક પાયો બહાર આવતા કેસની તપાસ EDએ હાથ ધરી હતી. હાલ મળેલી ફરિયાદથી આ મામલાની તપાસ વધુ ગહન અને વ્યાપક બનવાની શક્યતા છે.
વધુ લોકો આ રેકેટમાં સંડોવાયેલા
EDએ જણાવ્યું છે કે આરોપીઓના બેંક એકાઉન્ટ, પ્રોપર્ટી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનોની સંપૂર્ણ તપાસ ચાલુ છે. વધુ લોકો આ રેકેટમાં સંડોવાયેલા હોવાની શક્યતા એજન્સી નકારી રહી નથી. સાયબર ફ્રોડ કરી કમાયેલા નાણાં આરોપીઓએ હવાલા મારફતે વિદેશ મોકલી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યા હતા.
આ પણ વાંચો---- SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી, 27 જિલ્લાઓએ 100%નું સીમાચિહ્ન હાંસલ કર્યું