આજની આધુનિક જીવનશૈલીમાં જ્યારે કેમિકલયુક્ત રંગોના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ ખાતે કાર્યરત સુરભીબેનના એક નાના સ્વ-સહાય જૂથની મહિલાઓએ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય સાધીને કુદરતી રંગો બનાવવાની એક પ્રેરણાદાયી પહેલ કરી છે.
વિવિધ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ
આ જૂથ દ્વારા હોળીના તહેવાર માટે બનાવવામાં આવતા રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે આરારોટના લોટનો બેઝ તરીકે ઉપયોગ થાય છે. વિવિધ રંગો મેળવવા માટે તેઓ વિવિધ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરે છે.
આ રીતે કુદરતી રંગો તૈયાર થાય છે
જેમકે, લાલ રંગ માટે ગુલાબની પાંખડીઓ અને બીટને ક્રશ કરીને તેનો રસ કાઢી તેને લોટમાં મિક્સ કરવામાં આવે છે. પીળો રંગ ગલગોટાના ફૂલ, અમલતાસના ફૂલ અને ચપટી હળદરના મિશ્રણથી તૈયાર થાય છે. લીલો રંગ માટે પાલક, મોરિંગાના પાન અને જરૂર જણાય તો સહેજ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.
કેસરી રંગ કેસૂડાના ફૂલોને ઉકાળી તેના પાણીનો ઉપયોગ કરીને આકર્ષક રંગ તૈયાર
આ ઉપરાંત કેસરી રંગ કેસૂડાના ફૂલોને ઉકાળી તેના પાણીનો ઉપયોગ કરીને આકર્ષક રંગ તૈયાર કરવામાં આવે છે તથા અપરાજીતાના ફુલ અને ફુડ કલરમાંથી વાદળી રંગ તૈયાર કરવામાં આવે છે. આ રંગોના મિશ્રણને લુગદી જેવું બનાવી, તેને સૂકવીને મિક્સરમાં ડ્રાય કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાળીને મુલાયમ ગુલાલ જેવો રંગ તૈયાર કરવામાં આવે છે.
૬૦ થી ૭૦ કિલો જેટલા કુદરતી રંગોનું વેચાણ કર્યું
ગયા વર્ષે પણ સુરભીબેનના જૂથ ખૂબ જ સારી સફળતા મેળવી હતી અને ૬૦ થી ૭૦ કિલો જેટલા કુદરતી રંગોનું વેચાણ કર્યું હતું. ઘણી સોસાયટીઓ આ જૂથ પાસેથી હોળી રમવા માટે ૫-૫ કિલો જેટલા જથ્થાબંધ રંગોની માંગ કરે છે. તે જ રીતે આ વર્ષે પણ આ ગ્રુપની બહેનોએ કુદરતી રંગો તૈયાર કર્યા છે. તેઓ એક પેકેટમાં ૧૦૦ ગ્રામ રંગ ભરે છે જે ૫૦ રૂ.માં ગ્રાહકોને આપે છે. આ બહેનોને ગયા વર્ષે રૂ. ૧૦ હજાર જેટલી આવક થઈ હતી તે જ રીતે આ વર્ષે પણ આવક થવાનો અંદાજ છે.
રસીકોને કેમિકલમુક્ત તહેવાર ઉજવવા માટે પ્રેરિત
આ સ્વ-સહાય જૂથ માત્ર આર્થિક રીતે સક્ષમ નથી બની રહ્યું, પરંતુ ધૂળેટી ઉજવતા રસીકોને કેમિકલમુક્ત તહેવાર ઉજવવા માટે પ્રેરિત પણ કરી રહ્યું છે. સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને કેવી રીતે સફળ વ્યવસાય ઊભો કરી શકાય, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો---- Surat: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણ, આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી નામંજૂર