અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં આજે ભાજપના પ્રચાર પ્રસાર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ જનતાના દ્વારે પહોંચ્યા છે, પરંતુ બોડકદેવના જાગૃત નાગરિકોએ પૂર્વ કોર્પોરેટર અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ઢોલ-નગારા સાથે વોટ માંગવા નીકળેલા નેતાઓનો સામનો જનતામાં ઉગ્ર આક્રોશ સાથે થયો હતો.
હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો?
બનાવની વિગત એવી છે કે, ભાજપના પૂર્વ કોર્પોરેટર વાસંતી પટેલ અને તેમની ટીમ બોડકદેવ વિસ્તારમાં પ્રચાર માટે પહોંચી હતી. નેતાઓ જેવી સોસાયટીમાં દાખલ થયા કે તરત જ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. સ્થાનિકોએ વાસંતી પટેલને મોઢામોઢ કહી સંભળાવ્યું હતું કે, "છેલ્લા ૫ વર્ષમાં તમે એક પણ કામ કર્યું નથી, તો હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો?"
