સ્માર્ટ સિટી અમદાવાદમાં કોર્પોરેશનની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક વેજીટેબલ માર્કેટ છેલ્લા ઘણા સમયથી તૈયાર હોવા છતાં તેને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. માત્ર ઉદ્ઘાટનની રાહમાં આ વિશાળ પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ફેરિયાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
લાખોના ખર્ચે બનેલ વેજીટેબલ માર્કેટ બંધ
ગોતા વિસ્તારના રસ્તાઓ પર થતા ટ્રાફિક અને છૂટક શાકભાજી વેચનારાઓના વ્યવસ્થિત આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માર્કેટ બનાવવામાં આવ્યું હતું. મકાન અને માળખાગત સુવિધાઓ સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરિણામે, શાકભાજી વેચનારાઓ ધોમધખતા તાપમાં રસ્તા પર બેસીને ધંધો કરવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ ગ્રાહકોને પણ રસ્તા પર ઉભા રહીને ખરીદી કરવી પડે છે, જે ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે.
