અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ગૌસિયા કોલોની પાસે ગત ૩ જાન્યુઆરીએ એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી હિંસાની ઘટનાએ ચકચાર જગાવી છે. માત્ર જોરથી બોલવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી લોહિયાળ મારામારીમાં પરિણમી હતી, જેમાં એક દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું.પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
સામાન્ય બાબતે ઠપકો આપતા વઘુ ઉગ્ર બની બોલાચાલી
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ઇરફાનભાઈ દરગાહ પર સલામ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગૌસિયા કોલોનીમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા. ત્યાં સૈફ અલી અને તેના ચાર મિત્રો ભેગા મળીને ખૂબ જ અવાજ કરી રહ્યા હતા. ઇરફાનભાઈએ તેમને શાંતિ જાળવવા અને જોરથી ન બોલવા માટે વિનંતી કરી હતી. આ સામાન્ય ટકોરથી ઉશ્કેરાઈ જઈને સૈફ અલીએ લાકડાના દંડા વડે ઇરફાનભાઈ પર હુમલો કરી દીધો હતો. જ્યારે તેમની પત્ની વચ્ચે બચાવવા પડ્યા, ત્યારે તેમના પર પણ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીઓની કરી ધરપકડ
આ સમગ્ર હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દાણીલીમડા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સૈફ અલી (મુખ્ય આરોપી),સોહિલ નાગોરી,મોહમ્મદ શેખ,મોઇનખાન પઠાણ,મોહસીન મેમણની ધરપકડ કરવામાં આવી છે.
બે આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલા પાંચ આરોપીઓમાંથી બે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ અસામાજિક તત્વોના વધતા જતા પ્રભાવ સામે સવાલો ઉભા કર્યા છે.
