કચ્છ જિલ્લામાં જોવા મળતા ખારાઇ ઊંટને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. દરિયામાં તરવાની ક્ષમતા સાથે દરિયામાં રહેલા ચેરિયાના ઝાડ પર નિર્ભર ખારાઇ ઊંટની સંખ્યા ઘટી રહી છે. ખારાઇ ઊંટ સામે ઉભા થયેલા ખતરાંને લઇને કચ્છ યુનિવર્સિટી ખાતે ઉચરેક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ખારાઈ ઊંટનું સંકટ
કચ્છની ભૌગોલિક વિશેષતા સમાન ખારાઈ ઊંટ આજે ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત આ નસલ દુનિયાની એકમાત્ર એવી ઊંટની પ્રજાતિ છે જે દરિયાના પાણીમાં તરી શકે છે અને મુખ્યત્વે દરિયા કિનારે જોવા મળતા ચેરિયા ના પાન ખાઈને જીવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.
સંખ્યામાં ચિંતાજનક ઘટાડો
વર્ષ 2015 માં જ્યાં આ ઊંટોની સંખ્યા અંદાજે 4000 હતી, તે આજે ઘટીને માત્ર 1000 ની આસપાસ રહી ગઈ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તેમના ખોરાક અને ચરિયાણનો પ્રશ્ન છે. કચ્છના ભચાઉ (જંગી), અબડાસા અને મુંદ્રા પંથકમાં જોવા મળતા આ ઊંટો માટે ચેરિયાના જંગલો અનિવાર્ય છે. પરંતુ વધતા જતાં ઔદ્યોગિકીકરણને કારણે દરિયાકાંઠેથી ચેરિયાના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, જેના પરિણામે ખારાઈ ઊંટના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
સંરક્ષણ માટે સેમીનારનું કરાયું આયોજન
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી ખાતે 'સહજીવન સંસ્થા' અને 'ઊંટ ઉછેરક માલધારી સંગઠન' દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પશુપાલન વિભાગ, વન વિભાગ અને સ્થાનિક માલધારીઓએ સાથે મળીને ચર્ચા કરી હતી.જેમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચેરિયાના જંગલોનું પુનઃસંવર્ધન કરવું.ઔદ્યોગિક એકમો સામે ચરિયાણની જમીનનું રક્ષણ કરવું.માલધારીઓને પ્રોત્સાહન આપી ખારાઈ નસલને બચાવવી.
આ પણ વાંચોઃ Vadodara : વડોદરા પોલીસને મળી સફળતા, મકાન ભાડે રાખી ચોરી કરતી ગેંગ ઝડપાઇ