વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાત અનેક બનાવોએ માથું ઉંચક્યુ હતું. ખાસ કરીને અટલાદરા, ગોત્રી અને અકોટા જેવા પોશ વિસ્તારોમાં બંધ મકાનોમાં ત્રાટકતી ગેંગ પોલીસ માટે પડકાર બની હતી. વડોદરા પોલીસે બાતમીના આધારે આ મામલે તપાસ તેજ કરી અને આખરે દાહોદની એક રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


ચોરી કરવાની અનોખી પદ્ધતિ અપનાવી

આ ગેંગના સભ્યો વડોદરામાં જ મકાન ભાડે રાખીને રહેતા હતા જેથી કોઈને શંકા ન જાય. ગેંગનો મુખ્ય પ્લાન એ હતો કે તેઓ દિવસે રિક્ષા ચલાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા. રિક્ષા ચલાવવાના બહાને તેઓ એવા મકાનોની રેકી કરતા જે બંધ હોય અથવા જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. રાત પડતા જ આ રીક્ષાચાલકો 'તસ્કર' બની જતા અને બંધ મકાનોના તાળા તોડી હાથફેરો કરતા હતા.

16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે આ ગેંગના ત્રણ મુખ્ય સાગરીતો જયંતિ મંદોર, રાજેશ નીનામા અને વિશાલ ડામોરની ધરપકડ કરી છે. તેમની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ટોળકીએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં કરેલી કુલ ૬ જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને મોટી માત્રામાં સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ ગેંગ પકડાતા વડોદરાના રજિસ્ટર્ડ અને ભાડે રહેતા લોકોની તપાસ બાબતે પણ ફરી ચર્ચા જાગી છે. હાલમાં પોલીસ આ ગેંગના અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ અને અગાઉના કોઈ ગુનામાં તેમનો હાથ હતો કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad વાસણામાં પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના મોત બાદ યુવતીનો પણ આપઘાત


  • Follow us on: