અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરવાની ઘટના સામે આવી છે. આ જ યુવતીના પ્રેમીનો મૃતદેહ બે દિવસ પહેલા જ કેનાલમાંથી મળી આવ્યો હતો.બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર નહોતા.

પ્રેમીના મોત બાદ આઘાતમાં સરતા પગલું ભર્યુ

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ યુવતીના પ્રેમીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યો હતો. પ્રેમીના અચાનક મોતના આઘાતમાં સરી પડેલી યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બે દિવસના ટૂંકા ગાળામાં જ પ્રેમી અને ત્યારબાદ પ્રેમિકાના મોતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

યુવકની હત્યા કે આત્મહત્યા તે હજુ અકબંધ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. જોકે, તેમનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. પરિવારની નારાજગી જ આ કરુણ અંતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ, યુવકનું મોત કેનાલમાં પડવાથી થયું હતું, પરંતુ તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે હજુ રહસ્ય અકબંધ છે.

તપાસનો ધમધમાટ શરૂ

વાસણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ એ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું યુવકની હત્યા કરવામાં આવી હતી? અને શું તેના આઘાતમાં યુવતીએ આ પગલું ભર્યું કે પછી તેની પાછળ અન્ય કોઈ દબાણ હતું. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે શરૂ