રાજ્યમાં આવતી કાલથી વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં સતત વધ-ઘટ જોવા મળશે, જે મોસમી બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.
રાજ્યના હવામાન વિભાગનું અનુમાન
રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. માત્ર તાપમાન જ નહીં, પરંતુ પવનની દિશા અને ગતિ પણ ઠંડીમાં વધારો કરશે. રાજ્યમાં આગામી દિવસોમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના સુસવાટાને કારણે લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કરવો પડશે. પવનની ગતિ વધુ હોવાને કારણે વાસ્તવિક તાપમાન કરતા પણ વધુ ઠંડી અનુભવાશે.
રાજ્યમાં 15થી 20 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
ઠંડીના આ રાઉન્ડને જોતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડશે. ખાસ કરીને ખેડૂતો અને ખુલ્લામાં રહેતા લોકો માટે આ અઠવાડિયું પડકારજનક બની શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ઠંડીથી બચવા અને પવનના સુસવાટા સામે સાવચેતી રાખવા સલાહ આપી છે. મકરસંક્રાંતિ પહેલા જ ગુજરાતમાં લઘુતમ તાપમાન નીચું જતા ઠંડીનો ચમકારો વધશે, જે બરાબર શિયાળો બેઠો હોય તેવો અહેસાસ આપી રહ્યો છે.
