અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એક વર્ષના ટૂંકા ગાળામાં 11 લાખથી વધુ OPDના કેસ નોંધાવા પામ્યા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો સારવાર માટે સિવિલ પર નિર્ભર છે.

પ્રદૂષિત પાણીને કારણે રોગોમાં નોંધપાત્ર વધારો

છેલ્લા એક વર્ષમાં વાતાવરણમાં આવતા બદલાવ અને પ્રદૂષિત પાણીને કારણે રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વાયરલ ફિવરના કેસોએ માજા મૂકી છે, જેમાં કુલ 4705 કેસ સિવિલમાં નોંધાયા છે. મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો, ડેન્ગ્યુના 705 દર્દીઓ અને મેલેરિયાના 358 દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છે. અશુદ્ધ પાણી અને ખોરાકને કારણે થતા રોગોમાં પણ વધારો જોવા મળ્યો છે.

આટલા લોકોએ મેળવી સારવાર

આંકડા દર્શાવે છે કે,ઝાડા-ઊલટીના કેસમાં આશરે 2000 દર્દીઓએ સારવાર મેળવી.હિપેટાઇટિસ (કમળો)ના કેસમાં 2283 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા કે સારવાર લીધી. ટાઇફોઇડ માત્ર ડિસેમ્બર મહિનામાં જ ટાઇફોઇડના ૧૮ કેસ નોંધાયા હતા, જે દર્શાવે છે કે શિયાળામાં પણ આ બીમારીનો પ્રકોપ યથાવત રહ્યો છે.

હોસ્પિટલના ભારણને પહોંચી વળવા તંત્ર સજ્જ

સિવિલ હોસ્પિટલમાં IPDમાં થયેલો વધારો સૂચવે છે કે ગંભીર બીમારીઓના કિસ્સામાં લોકો સરકારી સુવિધાઓ પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર પર વધતા આ ભારણને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે. જોકે, વધતા જતા વાયરલ અને જળજન્ય કેસો સામે નાગરિકોએ પણ સ્વચ્છતા અને સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.

આ પણ વાંચોઃ  Vadodra : તંત્રની કુંભકર્ણ નિદ્રા ઉડી, કમિશનરના આદેશથી નવાપુરા અને મંગળ બજારના દબાણો પર ફર્યા બુલડોઝર