અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે શનિવારે IPL-2026ની સીઝનનો પ્રથમ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના આ રોમાંચક જંગને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. આ હાઈ-પ્રોફાઈલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે.
887 પોલીસ કર્મચારીઓનો કાફલો
મેચ દરમિયાન સ્ટેડિયમ વિસ્તાર સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. સુરક્ષા વ્યવસ્થા માટે કુલ 887 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં 1 IG, 4 DCP, 8 ACP, 17 PI, અને 57 PSI સહિત 750 જવાનોનો સમાવેશ થાય છે.
ખાસ ચેકિંગ કરાશે
સ્ટેડિયમમાં પ્રવેશ માટે DFMD (ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર) ના 70 યુનિટ અને 120 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, BDDS અને ડોગ સ્કવોડની 5 ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો પણ તૈનાત રહેશે.
ડિજિટલ ટિકિટ ધારકોને ગેટ નંબર 1 થી પ્રવેશ
દર્શકો માટેની વ્યવસ્થા અંગે પોલીસ વિભાગે જણાવ્યું છે કે, ગેટ નંબર 1 પર બફર ઝોન બનાવવામાં આવ્યો છે. ડિજિટલ ટિકિટ ધારકોએ ગેટ નંબર 1 થી પ્રવેશ લેવાનો રહેશે. તમામ પ્રેક્ષકોએ પોતાની સાથે ડિજિટલ અથવા ફિઝિકલ ટિકિટ યોગ્ય ફોર્મેટમાં રાખવી અનિવાર્ય છે. ટિકિટ વગરની કોઈપણ વ્યક્તિ સ્ટેડિયમમાં પ્રવેશી ન શકે તે માટે ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે.
ટિકિટના કાળાબજારી કરનારા તત્વો પર પોલીસની બાજ નજર
ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે સ્ટેડિયમ તરફના મુખ્ય રસ્તાઓ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવશે. ખાસ કરીને ટિકિટના કાળાબજારી કરનારા તત્વો પર પોલીસની બાજ નજર છે અને સાદા ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત રહીને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો---- Gandhinagar : ગુજરાતની ભૌગોલિક ઓળખ બદલાઈ, 1600 નહીં, હવે 2340 કિમી લાંબો દરિયાકિનારો, જાણો શું થશે અસર