અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનની વાડીમાં એક પોલીસ કોન્સ્ટેબલે કાયદાનું ભાન ભૂલીને સામાન્ય કર્મચારી પર હાથ ઉપાડતા ચકચાર મચી ગઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માં ફરજ બજાવતા પોલીસકર્મીએ રૂમ રાખવા જેવી ક્ષુલ્લક બાબતે ઉગ્ર થઈને યુવકને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
રૂમ આપવા બાબતે થઈ હતી તકરાર
મળતી માહિતી મુજબ, મૂળ પાટણના વતની અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવાઝ ગુલામ રસૂલ (નવાઝ ઘાંચી) ખાનપુર સ્થિત જ્ઞાતિની વાડીએ પહોંચ્યા હતા. અહીં સમાજની વાડીમાં રૂમ આપવા બાબતે કર્મચારી ફરદીન શેખ સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ તકરાર દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ એટલા ઉગ્ર બન્યા હતા કે તેમણે ફરદીન શેખને બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો.
CCTV ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર મારામારીની ઘટના વાડીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક જવાબદાર પદ પર રહેલા પોલીસકર્મીએ સામાન્ય નાગરિક સાથે અમાનવીય વર્તન કર્યું છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓ જાગી હતી.
પોલીસ સ્ટેશનમાં માફી માંગી મામલો થાળે પાડ્યો
બનાવ બાદ ભોગ બનનાર યુવક અને સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, મામલો વધુ બિચકે તે પહેલા પોલીસ કોન્સ્ટેબલ નવાઝ ઘાંચીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં જ તેમણે યુવક ફરદીન શેખની માફી માંગી હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો