ગાંધીનગરના અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં શિખામણ અને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકાભિમુખ શાસન માટે પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ એવો છે જ્યાં એક ચિંતા જાય ત્યાં બીજી આવે છે, પરંતુ 'ઝીરો ટોલરન્સ' નીતિ સાથે કામ કરવું અનિવાર્ય છે.


"IAS કેવી રીતે બનાય તે અમને ખબર છે"

મુખ્યમંત્રીએ અધિકારીઓની મહેનતને બિરદાવતા સાથે જ જવાબદારીનું ભાન કરાવતા કહ્યું કે, "IAS બનવા માટે કેટલી હેરાનગતિ અને મહેનત કરવી પડે છે તે અમને ખબર છે. ઘણી મહેનત બાદ તમે આ પદ પર પહોંચો છો, ત્યારે એક કે બે વ્યક્તિની ભૂલને કારણે આખા વિભાગનું નામ ખરાબ ન દેખાવું જોઈએ." તેમણે અધિકારીઓને વ્યક્તિગત સમસ્યાઓ માટે સીધો સંપર્ક કરવા અને નિર્ભય બનીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સ્વાગત કાર્યક્રમ અને કલેક્ટરની તાકાત

'સ્વાગત' ઓનલાઈન કાર્યક્રમનો ઉલ્લેખ કરતા CMએ ટકોર કરી કે, "તમારા પ્રશ્નો મારા સુધી પહોંચે છે. સ્વાગત વખતે જ કામ કરવું પડે તેના કરતા પહેલાથી જ કામ પતાવી દો તો કેટલું સારું? દર 15 દિવસે કલેક્ટરે પોતાના કામનું ચિંતન કરવું જોઈએ." તેમણે ઉમેર્યું કે કલેક્ટર પાસે ઘણી તાકાત હોય છે, અને જો તે શક્તિનો ઉપયોગ હસતા મોઢે અરજદારોના કામ કરવા માટે થાય તો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

સિસ્ટમ બધાથી ચાલે છે

મુખ્યમંત્રીએ અધિકારીઓને અહંકાર છોડવાની સલાહ આપતા કહ્યું કે, "હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, સિસ્ટમ ચલાવવામાં તમામનું યોગદાન હોય છે." ઓફિસમાં આવતા કોઈ પણ અરજદારને ખચકાટ ન થાય તેવું વાતાવરણ ઊભું કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ શિબિરમાં નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો----   West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

  • Follow us on: