મહાત્મા ગાંધીએ ભારતમાં આવીને જ્યાંથી પોતાના સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા, તેવા અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યાર સુધી પ્રાર્થના સભાઓ અને સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતા આ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ઐતિહાસિક ધરોહરની જાળવણી અને ગાંધી વિચારધારાના અપમાનને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


[[$googlead]]

પ્રાર્થનાના બદલે ફિલ્મી ગીતોની ધૂમ

કોચરબ આશ્રમમાં જ્યાં હંમેશા 'વૈષ્ણવજન તો તેને કહીએ' જેવા ભજનો ગુંજતા હોય છે, ત્યાં આજે 'કજરા રે કજરા રે' જેવા ફિલ્મી ગીતો ગુંજ્યા હતા. લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો ડીજેના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. ગાંધીજીના સાદગીના સંદેશને વરેલા આ પવિત્ર સ્થળ પર આ પ્રકારના ભપકાદાર આયોજનથી ગાંધીવાદીઓમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિદ્યાપીઠના ગૃહમાતાના પુત્રના લગ્ન

ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા આશ્રમોમાં સૌપ્રથમ આશ્રમ કોચરબમાં સ્થાપવામાં આવ્યો હતો. આ કોચરબ આશ્રમમાં વિદ્યાપીઠના ગૃહમાતાના પુત્રના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં ગાંધી વિચારધારાની મજાક બનાવી હોય તેમ ઘોંઘાટ અને પૈસાનો દેખાડો જોવા મળ્યો હતો. જે કારણે ગાંધીજીના વિચારો પર ચાલતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોની મંજૂરીથી લગ્ન પ્રસંગનું આયોજન કરાયું? ઐતિહાસિક કોચરબ આશ્રમમાં ગાંધી વિચારધારા ભુલાઈ? જેવા સવાલો હાલ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]




કોની મંજૂરીથી આ આયોજન?

સામાન્ય રીતે આશ્રમની જગ્યા પ્રાર્થના સભા કે શૈક્ષણિક હેતુ માટે જ ભાડે આપવામાં આવતી હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો છે કે, કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ અને ડીજે વગાડવાની મંજૂરી કોણે આપી? ઐતિહાસિક ધરોહર ગણાતા આ આશ્રમની જાળવણી કરવાને બદલે તેને લગ્ન માટે ભાડે આપી દેતા વહીવટકર્તાઓ સામે પણ આંગળી ચિંધાઈ રહી છે.

જાળવણી પર ઉઠ્યા સવાલ

ઐતિહાસિક આશ્રમની ગરિમા જાળવવી એ દરેક નાગરિક અને તંત્રની જવાબદારી છે, પરંતુ જે રીતે આશ્રમમાં ફિલ્મી ગીતો વગાડીને ઉત્સવ મનાવવામાં આવ્યો, તેનાથી આશ્રમની પવિત્રતા ખંડિત થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના વીડિયો વાયરલ થતા લોકો તંત્રની બેદરકારી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. તંત્ર દ્વારા ગાંધી વિચારધારાને નેવે મુકીને આવા આયોજનની મંજૂરી આપવામાં આવતા ગાંધીપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.


આ પણ વાંચો - Ahmedabad News: CG રોડ પર માર્ગ અકસ્માતમાં એકનું મોત


  • Follow us on: