અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટ અને હિંસાની ઘટનાએ મોટો વિવાદ જગાવ્યો છે. આ મામલે હુમલાનો ભોગ બનેલા જમ્મુના એક વિદ્યાર્થીએ ગંભીર આક્ષેપો સાથે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેણે ABVPના કાર્યકર પર દાદાગીરીનો આરોપ મૂક્યો છે. જમ્મુના વિદ્યાર્થીના નિવેદન મુજબ, હોસ્ટેલમાં અપશબ્દો બોલવાને લઈને મામલો ગરમાયો હતો. આ દરમિયાન, ABVPના કાર્યકર દેવ કોઈશા નામના વિદ્યાર્થીએ તેમને ધમકી આપી હતી. વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે દેવ કોઈશાએ તેના પિતા DGP હોવાની ચીમકી આપી હતી.
સૂતેલા સાથી પર એકાએક હુમલો
નિવેદન અનુસાર, દેવ કોઈશા તેના પિતા અને અન્ય કેટલાક અજાણ્યા લોકોને લઈને હોસ્ટેલ પર પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક લોકોએ મોઢે માસ્ક (રૂમાલ) પહેરીને હોસ્ટેલના રૂમમાં હુમલો કર્યો હતો. ભોગ બનેલા વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે રૂમમાં સૂતા હતા, ત્યારે મારા સાથી પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મુખ્યત્વે બીજા વર્ષના વિદ્યાર્થીઓના ગ્રુપ પર કરવામાં આવ્યો હતો." આ ઘટનામાં અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે. યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ તેમજ હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
