દર વર્ષની જેમ આ વર્ષે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જાતિ અને આવકના દાખલા મેળવવા એક કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદની વિવિધ મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રો પર વ્યવસ્થાના અભાવે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
સમસ્યાનું મુખ્ય કારણ
અરજદારોનો આક્ષેપ છે કે સરકારની ઓનલાઈન સિસ્ટમ અત્યંત ધીમી ચાલી રહી છે અથવા સર્વર ડાઉન રહે છે. પરિણામે, લોકોએ મજબૂરીમાં કચેરીઓ પર રૂબરૂ આવવું પડે છે. કાળઝાળ ગરમીમાં પીવાના પાણી કે બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નાના બાળકો સાથે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે.
