અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝવેરીવાડની લહેરીયા પોળમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયા તેમજ જાળી તોડી ચોરીને અંજામ આપ્યો હતો.


તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા

પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા હતા. તેમણે ગર્ભગૃહના ઉપરના ભાગમાં લાગેલા સળિયા અને લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમાના આભૂષણો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી વસ્તુઓમાં મુગટ, ટીકા, કપાલી, ભ્રમર અને ચક્ષુ સહિતના આભૂષણો સામેલ છે.

 અંદાજે રૂ. 7.84 લાખની મતાની ચોરી

પ્રાથમિક અંદાજ મુજબ કુલ અંદાજે રૂ. 7.84 લાખની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપતા પહેલા તસ્કરોએ દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા, જેથી તેમની ઓળખ થવામાં મુશ્કેલી પડે.

પોલીસ સ્થળ પર પહોંચી

સ્થાનિક લોકોએ ચોરીની ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ કાલુપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે દેરાસરમાં થયેલી ચોરી અંગે ગુનો નોંધ્યો

પોલીસે દેરાસરમાં થયેલી ચોરી અંગે ગુનો નોંધ્યો છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. 


આ પણ વાંચો----    Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો

  • Follow us on: