અમદાવાદનું શૈક્ષણિક હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે. અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ દારૂના નશામાં ચૂર થઈને જાહેરમાં ગુંડાગીરી આચરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


કુખ્યાત બુટલેગરના પૌત્રએ મચાવ્યો આતંક

આરોપી આદિત્યએ નશાની હાલતમાં વિદ્યાર્થીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું. અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો વડે વિદ્યાર્થીઓની ગાડી પર હુમલો કરી તેના કાચ ફોડી નાખ્યા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આદિત્યએ વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની સાથે જાહેરમાં રિવોલ્વર (બંદૂક) બતાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હુમલા દરમિયાન એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી.

નવરંગપુરા પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી

નવરંગપુરા પોલીસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી આદિત્યની શોધખોળ શરૂ કરી છે. ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા પરિવારના આ નબીરાએ જે પ્રકારે હથિયારો સાથે આતંક મચાવ્યો છે, તેને જોતા પોલીસે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. શહેરમાં વધી રહેલી આવી ગુંડાગીરીને ડામવા માટે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: