ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ પરિણામોની ખુશી વચ્ચે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12માં ધાર્યા મુજબનું પરિણામ ન આવતા અને ટકા ઓછા હોવાથી હતાશામાં આવી ગયેલી એક વિદ્યાર્થિનીએ મોતને વહાલું કર્યું છે.

ન્યૂ ઉમંગ ફ્લેટમાં માતમ છવાયો

ઘટનાની વિગત મુજબ, નારોલ વિસ્તારમાં આવેલ ન્યૂ ઉમંગ ફ્લેટમાં રહેતી કાજલ પાલ નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કાજલે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આવતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. પરિણામમાં ટકાવારી ઓછી આવતા તે પોતાની કારકિર્દીને લઈને ચિંતિત હતી અને આ જ હતાશામાં તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 પરિણામ એ જીવનનું અંતિમ સત્ય નથી

આ ઘટના બાદ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે પરિણામ એ જીવનનું અંતિમ સત્ય નથી. બાળકોને માત્ર માર્ક્સના આધારે જજ ન કરવા જોઈએ અને પરિણામ સમયે તેમને માનસિક સહારો આપવો અત્યંત અનિવાર્ય છે. એક માસૂમ જિંદગીના આમ અકાળે વિદાયથી નારોલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો---   West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન