અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે સત્તાના સિંહાસન પર બેસતાની સાથે જ એક એવો અભૂતપૂર્વ નિર્ણય જાહેર કર્યો છે, જેની અત્યારે સમગ્ર ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ પણ મોટું રાજકીય પદ મળતા જ નેતાઓ સરકારી લક્ઝરી સુવિધાઓ અને વીઆઈપી (પ્રોટોકોલ ભોગવવા તરફ દોટ મૂકતા હોય છે. પરંતુ આ બધાથી વિપરીત જઈને અમદાવાદના નવા મેયરે તમામ સરકારી સવલતો વાપરવાનો સાફ ઈનકાર કરી દીધો છે.
મેયર બંગલો રહેવા માટે બિલકુલ નહીં વાપરે
મેયર તરીકે પદભાર સંભાળ્યા બાદ હિતેશ બારોટે પત્રકારો સમક્ષ એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપતા જાહેરાત કરી છે કે, તેઓ મેયર માટેનું સત્તાવાર હાઈપ્રોફાઈલ નિવાસ્થાન એટલે કે 'મેયર બંગલો' રહેવા માટે બિલકુલ નહીં વાપરે.
પોતાના અંગત ઈલેક્ટ્રિક વાહનનો જ ઉપયોગ કરશે.
પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ અટકાવવાના હેતુથી તેમણે સરકારી વૈભવી વાહનનો ઉપયોગ ન કરવાનો પણ એક મોટો આદર્શ નિર્ણય લીધો છે. તેઓ શહેરમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ કે મનપાની કચેરીએ આવવા-જવા માટે પોતાના અંગત ઈલેક્ટ્રિક વાહનનો જ ઉપયોગ કરશે.
કોઈ વધારાની સરકારી સવલતો લીધી નથી
નવા મેયરે પોતાની સાદગીનો પરિચય આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મેં આજ દિન સુધી ક્યારેય કોઈ વધારાની સરકારી સવલતો લીધી નથી. ઈશ્વરની કૃપાથી મારી પાસે અત્યારે રહેવા માટે અને હરવા-ફરવા માટે જે પણ ખાનગી વ્યવસ્થા ઉપલબ્ધ છે, હું આગામી સમયમાં પણ માત્ર તેનો જ ઉપયોગ ચાલુ રાખીશ અને જનતાની સેવા કરીશ."
મેયરના નિર્ણયની પ્રશંસા
હિતેશ બારોટના આ લોકાભિમુખ અને સાદગીભર્યા નિર્ણયના સોશિયલ મીડિયા પર પણ ભારે વખાણ થઈ રહ્યા છે. સામાન્ય જનતા આ પગલાંને સરાહનીય ગણાવી રહી છે, જે અન્ય લોકપ્રતિનિધિઓ માટે પણ એક મોટો દાખલો બેસાડે છે.
આ પણ વાંચો---- Gujarat Civic Body Update : તમારા શહેરમાં કોની લાગી લોટરી ? એક જ ક્લિક કરો તો ખુલી જશે રહસ્ય