અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તાર નરોડાની એક કંપનીમાં થોડા દિવસો અગાઉ લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આગની ઝપેટમાં આવી જવાથી ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ શ્રમિકો પૈકી 1 વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેમની હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે.
ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકે દમ તોડ્યો
નરોડા વિસ્તારમાં આવેલી કંપનીમાં અચાનક કોઈ કારણોસર ફાટી નીકળેલી આગમાં કંપનીની અંદર કામ કરી રહેલા કર્મચારીઓ ફસાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે હોસ્પિટલાઈઝડ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે 1 ઈજાગ્રસ્ત વ્યક્તિનું શરીર સાથ ન આપતાં સારવાર દરમિયાન જ કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે મૃતકના પરિવારમાં ભારે કાળોકળાટ મચી ગયો છે.













