અમદાવાદમાં PNG નેટવર્કવાળા વિસ્તારોને આગામી ત્રણ માસમાં LPG મુક્ત બનાવી દેવાશે. આ પ્રકારના સરકારી આદેશને લઇને આગામી ત્રણેક માસમાં શહેરના અંદાજે ૧૨ લાખથી વધુ LPG કનેક્શનોમાંથી મોટાભાગના કનેક્શનો રદ થઈ તે PNG કનેક્શનમાં જોડાણ પામશે. શહેરમાં હાલ અંદાજે ૧૦ લાખથી વધુ PNG કનેક્શન છે. અમદાવાદમાં PNG કનેક્શનનો આ આંકડો આગામી ત્રણ માસમાં બમણો કરી દેવાના સરકારી પ્રયાસો છે.
શહેરી વિસ્તારોમાં પીએનજી જોડાણને અગ્રીમતા આપવાનો લક્ષ્ય સરકારને નક્કી કર્યો
PNG જોડાણ હોય છતાંય એલપીજી સિલિન્ડ રાખતા હોય તેવા પરિવારોને શોધીને તેમના એલપીજી જોડાણ રદ કરવાની મોટાપાયે ઝૂંબેશ પણ હાથ ધરાશે. આગામી ત્રણ માસમાં એલપીજી સિલિન્ડર વપરાશ ઘટાડવાના દિશાનિર્દેશ હોવાથી આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ અમદાવાદ શહેરમાં જોવા મળશે. શહેરના મોટાભાગના એલપીજી વપરાશકર્તા હવે પીએનજી તરફ વળશે. ઇરાન યુદ્ધે LPG ની તંગી સર્જી દેતા તેના વપરાશ પરની નિર્ભરતા ઘટાડી શહેરી વિસ્તારોમાં પીએનજી જોડાણને અગ્રીમતા આપવાનો લક્ષ્ય સરકારને નક્કી કર્યો છે.
અમદાવાદ હવે પીએનજી સિટી બનવા તરફ જઈ રહ્યું છે
એલપીજી સિલિન્ડરો પીએનજી નેટવર્ક ન હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરતી માત્રામાં સપ્લાઈ કરવાનો ઈરાદો છે. અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, ગોતા, ચાંદખેડા, સાબરમતી, ચાંદલોડિયા, નારણપુરા, મણિનગર, ઈસનપુર, નારોલ, ઓઢવ, વટવા, રખિયાલ, અમરાઇવાડી, હાથીજણ, શેલા, બોપલ, વસ્ત્રાલ, ઘુમા, સાણંદ રોડ વિસ્તારમાં PNGનું નેટવર્ક મજબૂત છે. મહતમ લોકો તેનો વપરાશ કરી રહ્યા છે. જુના અમદાવાદના કોટ વિસ્તારમાં સાંકડા રસ્તા, જૂનું માળખું અને પાઇપલાઇન નાંખવામાં મુશ્કેલીના કારણોસર PNG કનેક્શન મર્યાદિત છે. જેમાં કાલુપુર, દરિયાપુર, જમાલપુર, રાયખડ, શાહપુર વિસ્તારનો સમાવેશ થાય છે.
ત્રણ માસમાં અઢી લાખ જ પીએનજી જોડાણો આપી શકાશે
PNG જોડાણના નિષ્ણાતો દાવો કરી રહ્યા છેકે આગામી ત્રણ માસમાં મહતમ અઢી લાખ એલપીજી જોડાણોને પીએનજીમાં પરિવર્તિત કરી શકાશે. શહેરના ૧૨ લાખ એલપીજી કનેક્શનને પીએનજીમાં પરિવર્તિત કરતા મહિનાઓનો સમય લાગી શકે છે. પીએનજી જોડાણ માટેની પ્રક્રિયા લાંબી છે. તેથી ત્રણ મહિનામાં શહેરને સંપૂર્ણપણે એલપીજી મુક્ત કરી શકાયે તેમ નથી.
પીએનજી જોડાણ હોવા છતાંય એલપીજી સિલિન્ડર રાખી કાળાબજાર કરાય છે !
અમદાવાદમાં પીએનજી જોડાણ હોવા છયાંત એલપીજી જોડાણ રાખીને ગેસ સિલિન્ડરોના કાળાબજાર થકી રોકડી કરવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં ઘરેલું ગેસ સિલિન્ડરો ખાણીપીણી બજારમાં, હોટલ-રેસ્ટોરામાં કોમર્શિયલ ભાવે વેચી દેવાય છે. જ્યારે કેટલાક પરિવારો પાસે એક જ એલપીજી જોડાણ હોવાથી તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલેકે વાસ્તવિક હકદાર એલપીજી જોડાણધારકોને ગેસ સિલિન્ડરો સરળતાથી મળતા નથી.
એલપીજીના સિલિન્ડર બુક કરી રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે
સરકારે ગરબી વર્ગને ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર આપ્યા છે તે ચાલુ રહેશે. પીએનજી જોડાણથી ઘર આંગણે સતત ગેસ પુરવઠો મળી રહેશે. શહેરીજનોએ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવા, આવે તેની રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરમાં છેલ્લા 8 વર્ષમાં BRTS બસે 2000 અકસ્માત સર્જયા, વિપક્ષે બજેટ બેઠક દરમિયાન આક્ષેપ કર્યા