અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હોસ્ટેલના વહીવટીતંત્ર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. હોસ્ટેલમાં ચાલતા ‘રેઢિયાળ વહીવટ’ અને વિદ્યાર્થીઓની પાયાની સુવિધાઓમાં થતી બાંધછોડ સામે ABVP એ હોસ્ટેલ પરિસરમાં રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
શું છે મુખ્ય આક્ષેપો અને સમગ્ર વિવાદ?
આ વિરોધ માત્ર સુવિધાઓ પૂરતો સીમિત નથી, પરંતુ વહીવટી પારદર્શિતા પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની રાવ ઉઠી છે. હોસ્ટેલ મેસમાં પીરસવામાં આવતું ભોજન અત્યંત ઉતરતી કક્ષાનું અને ગુણવત્તાહીન હોવાનો આક્ષેપ છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ABVP ના દાવા મુજબ, હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ નિયમો નેવે મૂકીને વસવાટ કરી રહ્યા છે. આ કથિત કૌભાંડમાં વહીવટીતંત્રની મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં ખોટા સહી અને સિક્કા મારીને ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને ઘૂસાડવામાં આવ્યા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી
હોસ્ટેલ તંત્રને જગાડવા માટે ABVP ના કાર્યકરોએ "રઘુપતિ રાઘવ રાજા રામ" ની ધૂન બોલાવીને પ્રશાસનને સદ્બુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી. ABVP એ માંગ કરી છે કે, આ ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક ધોરણે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે. જો જવાબદારો સામે પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો - કિર્તીદાન ગઢવીને મોંઘી પડી 'સૈયારા'ની રીલ, ૩ મહિના બાદ પોલીસે મોકલ્યો મેમો, જાણો કેટલો થયો દંડ?