ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ની વિકટ સમસ્યાને લઈને રાજકારણ ગરમાયું છે. AMC વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સત્તાધારી પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે અમદાવાદની હવા એટલી ઝેરીલી બની ગઈ છે કે જાણે લોકોના ફેફસામાં દરરોજ 4 સિગારેટ ફૂંકવામાં આવતી હોય! પઠાણે આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરીજનોને શુદ્ધ હવા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને એર ક્વોલિટી સુધારવા માટે ફાળવવામાં આવેલા બજેટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે ચોંકાવનારો દાવો કર્યો કે એર ક્વોલિટી સુધારવા માટે ફાળવેલા રૂપિયા 96 કરોડ રોડ બનાવવાના કામમાં વાપરવામાં આવ્યા છે, જ્યારે ચાલુ વર્ષે પણ રૂપિયા 50 કરોડથી વધુ રકમ રોડ નિર્માણ પાછળ ખર્ચાઈ છે.


શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રીન કવર (હરિયાળી) વધારવા માટે ફાળવાયેલા રૂપિયા 30 કરોડનો પણ યોગ્ય ઉપયોગ થયો નથી. વિપક્ષ નેતાએ કટાક્ષ કરતા કહ્યું કે 'પોતાનું ઘર (શહેર) અસુરક્ષિત હોવા છતાં AMC બજેટ અન્ય નપાને (નપા- નકામા પાછળ) આપે છે.' બીજી તરફ, ભાજપના નેતા દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો હતો. દાણીએ કોંગ્રેસના શાસનકાળ પર આંગળી ચીંધતા કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન શહેરના રસ્તાઓ પર કેરોસીનથી ચાલતી રિક્ષાઓ દોડતી હતી, જે પ્રદૂષણનું મોટું કારણ હતી. દેવાંગ દાણીએ ભારપૂર્વક જણાવ્યું કે નરેન્દ્ર મોદીના સમયમાં જ કેરોસીનવાળી રિક્ષાઓને બદલે CNG રિક્ષાઓ શહેરમાં આવી, જેના કારણે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે સરકારે હંમેશા પ્રદૂષણ ઘટાડવા માટે ગંભીર પ્રયાસો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં કામગીરી ચાલુ રહેશે. જોકે, વિપક્ષ દ્વારા બજેટના કથિત દુરુપયોગનો મામલો હવે શહેરી રાજકારણનો નવો મુદ્દો બન્યો છે.

આ પણ વાંચો : Gir Somnath News : ટાર્ગેટનું ટોર્ચર? BLO શિક્ષકના આપઘાતથી કોડીનારમાં હોબાળો, પરિવારજનોનો મૃતદેહ લેવાનો ઇન્કાર 

  • Follow us on: