ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા સરકારી શિક્ષક અને BLO (બુથ લેવલ ઓફિસર) અરવિંદ મૂળજી વાઢેરના આપઘાતની ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. મૃતક શિક્ષકે SIR (સ્પેશિયલ સમરી રિવિઝન-મતદાર યાદી સુધારણા)ની કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેનો ઉલ્લેખ તેમની સ્યુસાઇડ નોટમાં પણ હોવાનું પરિજનો જણાવી રહ્યા છે. આ ગંભીર ઘટનાને પગલે મૃતક અરવિંદભાઈના પરિવારજનોએ વહીવટી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
BLOની ફરજનું ભારણ
પરિવારજનો અને મોટી સંખ્યામાં જોડાયેલા અન્ય શિક્ષકો હાલમાં સરકારી હોસ્પિટલના પી.એમ. (પોસ્ટમોર્ટમ) રૂમ બહાર બેસીને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. પરિવારજનોની મુખ્ય માંગણીઓમાં મૃતક શિક્ષકના પરિવારને યોગ્ય સરકારી સહાય, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી, અને શિક્ષકો પરના BLO સહિતના બિન-શૈક્ષણિક કામગીરીના ભારણને હળવું કરવાનો સમાવેશ થાય છે. આ વિવાદની જાણ થતા જ ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુ સોલંકી તાત્કાલિક સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે મૃતકના શોકાતુર પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમની લાગણીઓ તેમજ ન્યાયની માંગણીઓ સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવાની ખાતરી આપી હતી, જેના પગલે પરિજનોને આંશિક દિલાસો મળ્યો હતો. ત્રણ દિવસમાં BLOની કામગીરી દરમિયાન રાજ્યમાં બે શિક્ષકોના મૃત્યુની ઘટનાએ શિક્ષણ જગતમાં ગહન સવાલો ઊભા કર્યા છે.













