અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લાના ધોળકા તાલુકામાં આવતા ભુંભલી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા માટી ખનન પર વિભાગે દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનને પગલે સમગ્ર વિસ્તારના ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાણ ખનીજ વિભાગને લાંબા સમયથી ભુંભલી ગામની સીમમાં માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની ફરિયાદો મળી રહી હતી.


ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

આ બાતમીના આધારે વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ખનન કરી રહેલું એક કિંમતી હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. કાર્યવાહી બાદ આ મશીનને સુરક્ષાના કારણોસર ભુંભલી ગ્રામ પંચાયત ખાતે લાવીને મૂકવામાં આવ્યું છે. આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ખનન પાછળ કયા ભૂમાફિયાઓનો હાથ છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે અન્ય સ્થળોએ ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ઓચિંતા ચેકિંગ અને દરોડા ચાલુ રહેશે, જેથી કુદરતી સંપત્તિની ચોરી અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: