આ સિદ્ધિએ સિવિલ હોસ્પિટલને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અંગદાન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરી છે. આ ઐતિહાસિક 1000મો આંકડો સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થયો છે. અકસ્માત બાદ સારવાર દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અંગદાન એ‘જીવનથી જીવન સુધી’ ની એક પવિત્ર સફર છે

આવી અત્યંત દુઃખદ પરિસ્થિતિમાં પણ તેમની પત્ની નાથીબેન અને પરિવારજનોએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી તેમના અંગોનું દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. રમેશભાઈના આ દાનથી એક લીવર, બે કિડની અને બે આંખો પ્રાપ્ત થઈ છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નવજીવનની આશા બની રહેશે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી જણાવે છે કે અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ ‘જીવનથી જીવન સુધી’ ની એક પવિત્ર સફર છે. આજ દિન સુધીમાં કુલ 1000 દાન પ્રાપ્ત થયા છે, જેમાં 767 અંગો અને 233 પેશીઓનો સમાવેશ થાય છે, જેના થકી 745 થી વધુ દર્દીઓને નવું જીવન મળ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઘણા અંગદાન થયા

હોસ્પિટલની આ સફળતા પાછળ ટીમવર્ક, પારદર્શકતા અને ચોકસાઈભર્યું સંકલન જવાબદાર છે. આ કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે, જેમાં વર્ષ 2022-23 માં અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલને NOTTO અને ROTTO દ્વારા બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર, બેસ્ટ બ્રેઇન ડેડ કમિટી અને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ અંગદાતાઓના પરિવારજનો અને હોસ્પિટલ ટીમનું 74 અંગદાન પૂર્ણ થતા સન્માન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ માનવતાની એક એવી જીવંત ગાથા છે જ્યાં શોકની પળોમાં લેવાયેલો એક નિઃસ્વાર્થ નિર્ણય અનેક પરિવારોમાં ખુશીઓનો દીપ પ્રગટાવે છે. ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, જો સમાજમાં જાગૃતિ અને સંવેદના વધશે, તો ભવિષ્યમાં કોઈ પણ દર્દી અંગોની અછતને કારણે જીવ ગુમાવશે નહીં.

છેલ્લા પાંચ વર્ષની મુખ્ય સિદ્ધિઓ અને આંકડા

•કુલ અંગ તેમજ પેશીદાતા: 232 બ્રેઇન ડેડ દાતા તેમજ 86 મૃતદાતા

•અંગોની વિગત: અત્યાર સુધીમાં 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડાનું દાન મળ્યું છે.

•વયજૂથ: સૌથી વધુ 90 અંગદાતાઓ 41 થી 60 વર્ષની વયના છે, જ્યારે 13 થી 25 વર્ષના 44 યુવાનોએ પણ અંગદાન કર્યું છે. 177 પુરુષ અંગદાતાઓ અને 55 સ્ત્રી અંગદાતાઓએ આ સેવાકાર્યમાં પોતાનું મહામુલું યોગદાન આપ્યું છે.

•વિશેષ રેકોર્ડ: હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ હાથનું દાન, પ્રથમ નાના આંતરડાનું દાન અને એક જ દિવસમાં ત્રણ અંગદાન તથા સતત છ દિવસમાં છ અંગદાન જેવા અનેક વિક્રમો સ્થાપ્યા છે.

•વ્યાપ: અંગદાતાઓમાંથી 203 ગુજરાતના છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યો અને નેપાળ જેવા પાડોશી દેશોના દાતાઓનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી 6 દિવસ સુધી રહેશે બંધ, રામનવમી, મહાવિર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ લેવાયો નિર્ણય