ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે આધુનિક પરિવહનના એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. અમદાવાદ શહેરને તેની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે ‘મેક ઇન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટ ખાતે આ અત્યાધુનિક ટ્રેનનું ભવ્ય સ્વાગત કરી તેને ગુજરાત માટે રવાના કરી હતી.

ટેકનોલોજી અને સુરક્ષાની નવી ઓળખ

આ મેટ્રો ટ્રેન માત્ર પરિવહનનું સાધન નથી, પણ આત્મનિર્ભર ભારતની મજબૂત છબી છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ ડ્રાઈવરલેસ ટેકનોલોજી, સુરક્ષા સર્વોપરી અને સાંસ્કૃતિક વિરાસત છે. આ ટ્રેન ગ્રેડ ઓફ ઓટોમેશન 4 (GOA4) હેઠળ કાર્ય કરે છે, જેનો અર્થ છે કે તે સંપૂર્ણપણે ઓટોમેટેડ અને ડ્રાઈવર વગર ચાલવાની ક્ષમતા ધરાવે છે. મુસાફરોની સુરક્ષા માટે આ ટ્રેનમાં વિશ્વસ્તરીય શ્રેષ્ઠ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સેન્સર ફીટ કરવામાં આવ્યા છે. ટ્રેનની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળે છે.

વિકાસની ગતિને મળશે નવો વેગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ટ્રેન અમદાવાદના શહેરી માળખાકીય વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન સાબિત કરે છે કે, ભારત હવે રેલવે ટેકનોલોજીમાં સ્વાવલંબી બની રહ્યું છે. અમદાવાદની જનતા માટે આ સમાચાર ઉત્સાહવર્ધક છે, કારણ કે આગામી સમયમાં આ હાઈ-ટેક મેટ્રો ટ્રેન શહેરીજનોની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવશે. આ ભેટ સાથે જ અમદાવાદ હવે ગ્લોબલ સિટી બનવા તરફ વધુ એક ડગલું આગળ વધી ગયું છે.

તકનીકી વિશેષતાઓ અને સુરક્ષા

  • ડ્રાઈવરલેસ સુવિધા: આ ટ્રેન ગ્રેડ ઓફ ઓટોમેશન 4 (GOA4) હેઠળ સંપૂર્ણપણે ઓટોમેટેડ અને ડ્રાઈવરલેસ રીતે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.
  • સ્ટેનલેસ સ્ટીલ બોડી: ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી નિર્મિત આ ટ્રેનમાં શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફ્ટી અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • સાંસ્કૃતિક ટચ: ટ્રેનની ડિઝાઇન અને રંગોમાં અમદાવાદની વિરાસત અને ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાનું પ્રતિબિંબ જોવા મળે છે.

વધતી માંગ અને ભાવિ આયોજન

અમદાવાદ મેટ્રો હાલમાં દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપી રહી છે, જેમાં વાર્ષિક 30-40%નો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કુલ 10 ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાંથી બાકીની 9 ટ્રેનો આગામી 5-6 મહિનામાં તબક્કાવાર ઉપલબ્ધ થશે. આ ટ્રેનો ફેઝ-2ના 21 કિ.મી.ના નવા રૂટ પર વધારાની જરૂરિયાતને પહોંચી વળશે.

'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નું પ્રતીક

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટિટાગઢ પ્લાન્ટમાં વિવિધ રાજ્યોના શ્રમિકો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે, જે વડાપ્રધાનના 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના મંત્રને ચરિતાર્થ કરે છે. આ પ્રસંગે ડૉ. હસમુખ અઢીયા અને એસ.એસ. રાઠૌર જેવા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2014માં દેશમાં મેટ્રો નેટવર્ક માત્ર 248 કિમી હતું, જે 2025 સુધીમાં વધીને 1013 કિમી થયું છે. વંદે ભારત અને હવે આ સ્વદેશી મેટ્રો ટ્રેનો ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં નવી દિશા આપી રહી છે. આ મેટ્રો ટ્રેન જરૂરી પરીક્ષણો અને પ્રમાણપત્ર મેળવ્યા બાદ ટૂંક સમયમાં અમદાવાદના પાટા પર દોડતી જોવા મળશે.


આ પણ વાંચો - Surendranagar News: શિશુ કુંજ શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, આંખના ભાગે ગંભીર ઈજા