ફલાવર શોમાં અમદાવાદ કોર્પોરેશનને 1થી 18 જાન્યુઆરી સુધી માત્ર 6.52 કરોડની આવક થઈ છે અને સવા છ લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી છે, નર્સરી, ખાણીપીણી સ્ટોલના ભાડાની આવક ઓછી થઈ હોવાની વાત સામે આવી છે.
ફલાવર શોમાં ખાણીપીણીનાં સ્ટોલ ભાડે આપવામાં આવે છે તેની ધાર્યા પ્રમાણે આવક થતી નથી
રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં ૧લી જાન્યુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોમાં અંદાજે રૂપિયા ૨૧ કરોડના ખર્ચ સામે ૧૮મી જાન્યુઆરી સુધીમાં ૬.૫૨ કરોડ જેટલી આવક થઈ છે અને આશરે સવા છ લાખ જેટલા મુલાકાતી નોંધાયા છે. ડિસેમ્બર-૨૦૨૫માં કાર્નિવલમાં પણ વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં સંખ્યા ઘટી હતી. જોકે ફ્લાવર શો યોજવાની દરખાસ્તને મંજૂરી આપતી વખતે સત્તાપક્ષે મોટી કંપનીઓ અને ડેવલપરોને જાહેરાતની મંજૂરી આપી તેમની પાસેથી નાણાકીય સહયોગ મેળવવાની વાત કરી હતી, પરંતુ તેવુ ખાસ થયું નથી. પ્રવેશ ફી ઉપરાંત નર્સરીઓ અને ખાણીપીણીનાં સ્ટોલ ભાડે આપવામાં આવે છે તેની ધાર્યા પ્રમાણે આવક થતી નથી.
ટિકિટ માટે ઓચિંતા ચેકિંગમાં કશું મળ્યું નહીં
મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓએ ફલાવર શોમાં આવક અને મુલાકાતીઓની સંખ્યા તેમજ ફૂટપ્રિન્ટ જોઇ શંકા વ્યક્ત કરી હતી કે, ટિકિટ વગર ઘૂસાડવાની શક્યતા વધુ હશે. જેના લીધે ઉચ્ચ અધિકારીઓએ ફલાવર શોમાં કર્મચારીઓ મોકલીને મુલાકાતી પાસે ટિકિટ છે કે નહિ, તેવુ ઓચિંતુ ચેકિંગ પણ કરાવાયું હતું. પરંતુ ચેકિંગમાં ટિકિટ વગર પકડાયાની સંખ્યા જાહેર કરાઇ નથી. જો જાહેર કરાય તો એટલો મોટો આંકડો તો મળવાનો નથી, ઊલટાનું મ્યુનિ.અધિકારીઓ વિવાદમાં સપડાઇ શકે તે હેતુથી આ મામલે ચૂપકિદી સેવાઇ રહી હોવાની શક્યતા છે. પાછળ કરોડોના ધુમાડાથી વિવાદ વકર્યો છે.
અમદાવાદના ફલાવર શોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે
સૂત્રોએ કહ્યું કે, વાસ્તવમાં આ પ્રકારનાં ઉત્સવો કે મેળાવડા નહિ નફો નહિ નુકસાનના ધોરણે યોજવા જોઈએ અને તેનાં હિસાબો પ્રમાણિકતાથી જાહેર કરવા જોઈએ, પરંતુ સત્તાધીશોને નુકસાન કરતાં માનીતાઓ અને મળતિયાઓને સાચવવામાં જે કંઈ ખર્ચ થાય તે કરવામાં વધુ રસ હોય છે. એટલે જ દર વર્ષે ફલાવર શોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગત વર્ષે ૧૬ કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે, તેની સામે હાલ ચાલી રહેલા ફ્લાવર શો પાછળ અંદાજે ૨૧ કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. ત્યારે ફ્લાવર શો પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ સરભર થાય તેવા કોઈ જ પગલાં તંત્ર દ્વારા લેવાતા નથી.
આ પણ વાંચો : Ahmedabad News : લો બોલો, વાડજ પોલીસને ચાઈનીઝ દોરીને લઈ જે બાતમીદારે બાતમી આપી તેનું જ નામ FIRમાં જાહેર કરી દીધું