બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.
સેવકોમાં 'જે કરે એ હરિ કરે' એવો ભાવ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,આ સમારોહમાંથી લોકો જશે ત્યારે સેવકોની સેવા નિષ્ઠાના ગુણો લઈને જશે.અહીં ઉપસ્થિત ઘણા લોકોએ સત્સંગના ગુણો પોતાના જીવનમાં ઉતાર્યા છે, જે સ્વયંસેવકોના સેવાભાવમાં સ્પષ્ટપણે જોવા મળે છે.આ હરિભક્તોમાં આ ગુણ પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતોના સાનિધ્યમાં રહેવાથી આવ્યો છે. પૈસા લઈને કામ કરવાનું હોય તો પણ આવી સેવા લોકોથી નથી થતી. પણ અહીં લાખો એવા ભક્તો છે જે પૈસા પણ આપે છે અને સેવા પણ આપે છે. સેવકોમાં 'જે કરે એ હરિ કરે' એવો ભાવ છે.
સફળતા મળે તો લોકો સ્વની વાહવાહી કરે
તેમણે સમજાવ્યું કે સફળતા મળે તો લોકો સ્વની વાહવાહી કરે,બાકી નિષ્ફળતામાં લોકો હરિને યાદ કરે છે, પણ સાચો મર્મ એ છે કે જે કંઈ થાય છે તે ભગવાન કરે છે. સત્સંગનો સાર એ છે કે જીવનનો મર્મ સમજાય અને સંતો પાસેથી એ જ સમજવાનું છે.આ અવસરે ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન આપણા માટે ગુણોના પ્રેરણાપુંજ સમાન છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પોતાના દરેક શ્વાસ લોકકલ્યાણ માટે સમર્પિત કર્યા તેવા પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વને સમજવા માટે જીવન ટૂંકું પડે.
પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો હતો
તેમણે ઉમેર્યું કે, પ્રમુખસ્વામી મહારાજના નામસ્મરણ માત્રથી જ અંતરમાં શાંતિ સ્થપાઈ જાય છે.BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે આ અવસરે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ હોવા છતાં જીવનભર દાસભાવે સેવા જ કરી, તેમના જીવનના ગુણો અનન્ય છે.મહંતસ્વામીએ પોતાની યુવકકાળની સ્મૃતિ વાગોળતા પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો હતો.આ સમારોહમાં યુવાનો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad News: પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનો સંદેશ ફેલાવ્યો, ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી