બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.


પ્રમુખ સ્વામીના જીવનના ૭૫ ગુણો પ્રદર્શિત કરાયા

આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના ગુણોમાંથી જીવનનો સાર કાઢી શકાય અને જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એમ છે.તેમણે ઉમેર્યું કે સાબરમતી નદીના કિનારે પણ પ્રમુખ સ્વામીના જીવનના ૭૫ ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરાયા છે, જે લોકોને જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ કરે છે.પ્રમુખસ્વામી મહારાજના જીવન અને યોગદાનની દ્રષ્ટિએ જોઈએ તો, તેમણે એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શનને વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતાં પણ વધુ મોટું કાર્ય તેને વ્યવહારુ બનાવવાનું કર્યું.

સનાતન ધર્મ માટે સંદેશ ફેલાવીને એ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી

અમિત શાહે કહ્યું હતું કે, તેમણે ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડીને, 'નરમાં જ નારાયણના દર્શન કરવાના' આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે કરુણાના માધ્યમથી બીજા જીવનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રસારીને ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, પરંતુ સમગ્ર સનાતન ધર્મ માટે બહુ મોટું કામ કર્યું છે. સનાતન ધર્મના અનેક સંપ્રદાયોમાં સંતનું તત્વ સંચિત કરવાનું કામ તેમણે કોઈ ઉપદેશ આપ્યા વગર કર્યું અને સંત સમાજની સન્યાસ વ્યવસ્થાને સુદ્રઢ કરી.ધીરે ધીરે સમાજમાં ભાગવત શ્રદ્ધા ઘટતી જતી હતી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના હજારો સંતોએ પોતાના આચરણથી સનાતન ધર્મ માટે સંદેશ ફેલાવીને એ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે.

હજારો વર્ષોની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો

તેમણે આગળ જણાવ્યું કે, સનાતન ધર્મે આટલા હજારો વર્ષોની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો. આઝાદી પછી સમાજમાં સંતો અને સંસ્થાઓમાં લોકોની શ્રદ્ધા ઘટવી એ સૌથી મોટું સંકટ હતું. આ સંકટમાંથી બહાર આવવા માટે, પ્રમુખસ્વામી મહારાજે એક પણ ઉપદેશનો શબ્દ કહ્યા વગર, પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા આચરણ કરીને સુંદર રસ્તો શોધી કાઢ્યો, જે આજે સૌ સનાતન ધર્મના સંન્યાસીઓ માટે માર્ગદર્શન બન્યો છે. સાબરમતી નદીના કિનારાને સંતોના સમર્પણનો સાક્ષી ગણાવ્યો. તેમણે દધીચિ ઋષિનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે આ જ સાબરમતીના કિનારેથી મહાત્મા ગાંધીએ સત્યાગ્રહના શસ્ત્રથી દેશને આઝાદી અપાવી.

પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ પદની સેવાનો સ્વીકાર કર્યો

તેમણે કહ્યું કે, આ જ અમદાવાદમાં આમલીવાળી પોળમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ પદની સેવાનો સ્વીકાર કર્યો અને ૧૯૫૦ થી ૨૦૧૬ સુધી તેમણે કરેલા બધા જ કામો આજે સમગ્ર દેશના સૌ સંપ્રદાયો માટે ઉદાહરણરૂપ બન્યા છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજના કાર્યક્રમથી આમલીવાળી પોળ ન કેવળ ગુજરાત કે ભારત, પરંતુ સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું એક અવિસ્મરણીય સ્થાન બનશે. તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે કે આ કાર્યક્રમની રચના સંપ્રદાયના ગુણગાન માટે નથી, પરંતુ સમાજના શિક્ષણ માટે છે, સમાજની અંદર અનેક પ્રકારના દુષણો ઘટાડવા માટે છે. સંતનું જીવન કેવું હોય અને સંત જીવનમાંથી શું શીખવું, એનો બહુ મોટો પાઠ આ કાર્યક્રમ બનવાનો છે.


આ પણ વાંચોઃ Navsari: નેશનલ હાઈવે 84 પર ટ્રક પલટી મારી જતા સામાન વેરવિખેર, વેસ્મા નજીક અકસ્માતથી ભારે ટ્રાફિક જામ


  • Follow us on: