અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર મરણના સમાચારને લઈને ચર્ચામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

બે અલગ-અલગ સ્થળેથી મળ્યા મૃતદેહ

નર્મદા કેનાલના અલગ-અલગ કિનારેથી આ બંને મૃતદેહો મળી આવ્યા હતા. વિરમગામના સોકલી ગામ પાસે આવેલી નર્મદા કેનાલની નર્સરી નજીકથી એક યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે બીજી બાજુ મોટીકુમાદ ગામ પાસેથી પસાર થતી કેનાલના મુખ્ય ગેટ (ધોધ) પાસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ફાયર વિભાગ અને પોલીસની કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને તુરંત વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું. ત્યારબાદ બંને મૃતદેહોને ઓળખ અને પોસ્ટ મોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મોતનું રહસ્ય અકબંધ

પ્રાથમિક તપાસ મુજબ, આ યુવક-યુવતી કોણ છે અને ક્યાંના રહેવાસી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ આત્મહત્યાનો બનાવ છે કે, અકસ્માતે ડૂબી જવાની ઘટના, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસવાની સાથે આસપાસના ગામોમાં મૃતકોની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Surat News: મેટ્રોની ટનલ ખોદકામ દરમિયાન અચાનક જમીન ધસી, 20 ફુટ ઉંડો ભૂવો પડતા તંત્ર દોડતું થયું