ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વિકાસકાર્યો વચ્ચે સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. આજે શહેરના વ્યસ્ત એવા શાહપોર સાઈબાબા મંદિર પાસે મેટ્રોની ટનલ ખોદકામ દરમિયાન અચાનક જમીન ધસી પડતા 20 ફૂટ ઊંડો મોટો ભૂવો પડ્યો હતો. આ ઘટનાને કારણે થોડીવાર માટે વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો.


મોટી દુર્ઘટના ટળી, એક મકાન ખાલી કરાવાયું

ઘટનાની મળતી માહિતી મુજબ, મેટ્રોની ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા જ્યારે અન્ડરગ્રાઉન્ડ ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જમીનનું સ્તર નબળું પડતા મુખ્ય માર્ગ પર મોટું ગાબડું પડ્યું હતું. આ ખાડો એટલો ઊંડો હતો કે, આસપાસના મકાનોના પાયા હચમચી જવાની ભીતિ સેવાઈ રહી હતી. સાવચેતીના પગલા રૂપે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નજીકનું એક રહેણાંક મકાન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો.

મેટ્રો પ્રશાસન દ્વારા તાત્કાલિક કામગીરી

ઘટનાની જાણ થતા જ મેટ્રો રેલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા રસ્તા પરની અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ભૂવો પૂરવા માટે મોટા પ્રમાણમાં કોન્ક્રીટ અને માટીનું પુરાણ કાર્ય શરૂ કરી દેવાયું હતું. આસપાસના અન્ય મકાનોમાં તિરાડો કે જોખમ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાના પગલે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મેટ્રોના કામને કારણે જૂના સુરતના સાંકડા વિસ્તારોમાં ધ્રુજારી અને જમીન ધસી પડવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. તંત્રએ કામગીરી કરતા પહેલા મકાનોની સુરક્ષાની પૂરતી ખાતરી કરવી જોઈએ. હાલમાં મેટ્રો પ્રશાસન દ્વારા રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણતાના આરે છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલા મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ કામકાજની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.


આ પણ વાંચો - Anand News: વાસદમાં પ્રેમી યુગલે મહીસાગરમાં ઝંપલાવ્યું, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા



  • Follow us on: