પ્રેમમાં અંધ બનીને અંતિમ પગલું ભરવા જઈ રહેલા એક સગીર પ્રેમી યુગલ માટે આણંદના વાસદમાં મહીસાગર નદીના નાવિકો 'દેવદૂત' બનીને આવ્યા હતા. વહેરાખાડી ગામના આ સગીર પ્રેમી યુગલે મહીસાગર બ્રિજ પરથી નદીના વહેણમાં મોતની છલાંગ લગાવી હતી, પરંતુ સમયસૂચકતા અને માનવતાના દર્શન કરાવી સ્થાનિક નાવિકોએ બંનેને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા.
મોતના મુખમાંથી ખેંચી લાવ્યા નાવિકો
ઘટનાની વિગતો અનુસાર, આણંદ જિલ્લાના વહેરાખાડી ગામના વતની એવા સગીર વયના પ્રેમી પંખીડા કોઈ અગમ્ય કારણોસર કે આવેશમાં આવીને વાસદ પાસેના મહીસાગર નદીના બ્રિજ પર પહોંચ્યા હતા. કાંઈ પણ વિચાર્યા વગર બંનેએ એકસાથે નદીના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, નદીના પટમાં હાજર રહેલા સ્થાનિક નાવિકોની નજર આ યુગલ પર પડતા જ તેઓ તુરંત પોતાની હોડીઓ લઈને રેસ્કયૂ માટે દોડી ગયા હતા.
ત્વરિત રેસ્કયૂ અને સારવાર
નાવિકોએ ભારે જહેમત બાદ પાણીના પ્રવાહમાંથી બંને સગીરોને બહાર કાઢ્યા હતા. ડૂબવાને કારણે બંનેની હાલત ગંભીર જણાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વાસદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રેમની વેદી પર આત્મહત્યાનો પ્રયાસ કે સામાજિક દબાણ?
પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાય છે. સગીર વયના બાળકોમાં વધતા જતા આવા આવેગ અને આત્મહત્યાના વિચારો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે. નાવિકોની ત્વરિત કામગીરીને કારણે આજે બે પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવવાનો વારો નથી આવ્યો. હાલ પોલીસ દ્વારા બંનેના પરિવારજનોનો સંપર્ક કરી આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Panchmahal News: ગોધરામાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, મોતનો સામાન વેચતા બે આરોપીની ધરપકડ