ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નિર્દોષ પક્ષીઓ અને માનવો માટે જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરી વિરુદ્ધ પંચમહાલ પોલીસે લાલ આંખ કરી છે. ગોધરા એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મોતનો સામન વેચતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરીના વપરાશથી ઘણા લોકો ઘાયલ થયા છે, અને હજારો લોકો મોતને ભેટ્યા છે.


સુભદ્રા પાર્ક સોસાયટીની દુકાનમાં ચાલતું હતું વેચાણ

ગોધરા એ-ડિવિઝન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરની સુભદ્રા પાર્ક સોસાયટીમાં આવેલી એક દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને તેનું ગુપ્ત રીતે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દુકાનમાં રેડ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને દુકાનમાંથી પ્લાસ્ટિકની જીવલેણ દોરીના નાના-મોટા કુલ 107 ફિરકી મળી આવી હતી.

બે આરોપીની ધરપકડ કરાઈ

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બે શખ્સોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ જયદીપ ચાવડા અને જતીન ધોબી છે. પોલીસે આ બંને શખ્સો પાસેથી ચાઈનીઝ દોરીના ફિરકા સહિત કુલ રૂપિયા 32000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને આરોપીઓ તહેવારનો લાભ ઉઠાવી વધુ નફો મેળવવા માટે આ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જીવલેણ દોરી સામે પોલીસની કડક ચેતવણી

ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી (પ્લાસ્ટિક દોરી) પર સરકાર દ્વારા સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કારણ કે આ દોરી જલ્દી તૂટતી નથી અને તેનાથી ગળું કપાવવાના કે ગંભીર ઈજા થવાના અનેક કિસ્સાઓ દર વર્ષે નોંધાય છે. ગોધરા પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ઉત્તરાયણના તહેવારના નામે લોકોના જીવ જોખમમાં મૂકનાર તત્વોને બક્ષવામાં આવશે નહીં. પોલીસે સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરી છે કે, તેઓ આવી જીવલેણ દોરીનો ઉપયોગ ન કરે અને જો ક્યાંય તેનું વેચાણ થતું હોય તો તુરંત પોલીસને જાણ કરે.


આ પણ વાંચો - Amreli News: ધારીમાં ખેડૂત પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી, બે આરોપીને કરાયા જેલના હવાલે



  • Follow us on: