મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં શિવ જોઈને સેવા કરનારાઓનું સન્માન કરાયું છે ત્યારે આજનો કાર્યક્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. સનાતન સંસ્કૃતિમાં સેવા પરમો ધર્મ કહેવાય છે, આ મંત્રને વડાપ્રધાન મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા લોકના કલ્યાણભાવ સાથે જનજનમાં વિસ્તાર્યો છે.


સર્વનો વિચાર કરનારા જ માનવજાતની સાચી સેવા કરે છે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વથી ઉપર ઊઠીને સર્વનો વિચાર કરનારા જ માનવજાતની સાચી સેવા કરે છે. સાચી સંપત્તિ પદ, પૈસો કે પ્રતિષ્ઠામાં નહીં, પરંતુ સામાજિક યોગદાનમાં રહે છે. નિઃસ્વાર્થ સેવા જ માનવ સભ્યતાની બુનિયાદ છે. સરકાર કલ્યાણ યોજનાઓ બનાવે અને નીતિઓને અમલમાં મૂકે. આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડેના લોકો સુધી પહોંચે એ માટે સેવા સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવીને કામ કરે તો વધારે સફળતા મળી શકે છે.

સમૃદ્ધ ગુજરાત થકી સમૃદ્ધ-વિકસિત ભારત બનાવીએ.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે હંમેશાં સેવા, સંવેદના સાથે આપદ ધર્મ નિભાવવાની સહકાર પરંપરા જાળવી છે. ધરતીકંપ, કોરોના, પૂર, વાવાઝોડા... કોઈ પણ સંકટમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશાં આપત્તિગ્રસ્તોની સેવા માટે ખડેપગે રહે છે.સરકારની સાથે સાથે સંસ્થાઓ, સેવાવ્રતીઓ અને સમાજ સૌ સાથે મળીને સમરસ, સંવેદનશીલ અને સમૃદ્ધ ગુજરાત થકી સમૃદ્ધ-વિકસિત ભારત બનાવીએ.


આ પણ વાંચોઃ Valsad News : ગુજરાતમાં વિસાવદર વાળી નહીં મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે, વિપક્ષના સૂપડા સાફ થવાના છે


  • Follow us on: