આજે અમદાવાદ અને ગાંધીનગરની 18 જેટલી સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. બોમ્બની ધમકી મળતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને સ્કૂલમાંથી તાત્કાલિક અસરથી છોડી મુકવામાં આવ્યા હતાં.સાયબર ક્રાઈમે આ બોમ્બની ધમકી અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ત્રણ પ્રકારના મેઈલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. Hotmail પરથી બે અને Atomic મેઈલ પરથી એક મેઈલ આવ્યો હતો. સાયબર ક્રાઈમે આ મેઈલ કોણે કર્યા તે અંગે તપાસ હાથ ધરી છે.
તમામ સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રાખવા માટે આદેશ
અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં સાવચેતીરૂપે ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે બપોરે શરૂ થતી કેટલીક શાળા સંદતર બંધ રખાઈ હતી. શાળાઓની મળતી બોમ્બ ધમકીને પગલે વહીવટી તંત્ર એકશનમાં આવતા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી હતી. હવે અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારીએ સ્કૂલોને આદેશ કર્યો છે. આવતીકાલે તમામ સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
