ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે
જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.
જનભાગીદારીથી આયોજિત આ ફ્લાવર શૉમાં ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ આયોજનમાં ભાગીદાર બન્યા છે
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો સર્વ અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કોર્પોરેટ એકમોના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬નાં મહત્ત્વનાં આકર્ષણો
•ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને ૩૦ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શૉના મહત્ત્વનાં આકર્ષણો
•દેશની હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ
વિશ્વકક્ષાનો અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૬ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ રજૂ કરે છે
આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિપ્રેમીઓ મુલાકાત લે છે. એટલું જ નહીં, ફૂલોની ફોરમની સાથે માનવીય કલાકારીગીરીની અગણિત યાદો પણ સાથે લઈને જાય છે. આ ફૂલ મહોત્સવ એક પ્રદર્શન ન રહેતા, પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી તેમજ અમદાવાદ શહેરની જૈવવિવિધતા અને ઈકોફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. જે નાગરિકોને પણ પર્યાવરણ અંગે જાગૃત કરી, તેમને આ ફ્લાવર શૉમાં સંસ્કૃતિ અને પ્રકૃતિના સંવર્ધન માટે ભાગીદાર બનવા પ્રોત્સાહન પૂરું પાડે છે.
ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે
જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે. પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જિવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે.
ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો ‘શાશ્વત ભારત’ ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે
આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવ્યા છે. જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે જોડે છે. આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવાં નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજની પ્રતિમા ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે.
સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન
આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ‘ભારતની સિદ્ધિઓ’ ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવીવીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે. પ્રદર્શનનું એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે, જેમાં ૩૦ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે.
સ્પ્રિન્કલિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી
ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શો-૨૦૨૬ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડિસ્પ્લે માટે લગાવવામાં આવેલા સીઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે ટ્રેક્ટર કે પાઈપ જેવી પરંપરાગત વોટરિંગ પદ્ધતિના બદલે ૧૦,૫૨૪ ચો.મીટર એરીયામાં સ્પ્રિન્કલિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે.
મુલાકાતીઓની સુગમતા માટે ચાર ખાસ પ્રવેશદ્વાર
-ગેટ નંબર ૧ – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ વેસ્ટ
-મલ્ટિલેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી
-ગેટ નંબર ૪ – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ વેસ્ટ
-પૂર્વ પ્રવેશ, અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ
ટિકિટના દર તથા સમય
મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂ. ૮૦/- તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર રૂ. ૧૦૦/- રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, ૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાનાં વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. અ.મ્યુ.કો. સિવાયની શાળાઓનાં બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી પ્રવેશ દર રૂ.૧૦/- રહેશે. વધુમાં, મુલાકાતીઓ માટે સવારે ૮ થી ૯ તેમજ રાત્રે ૧૦ થી ૧૧ સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં રૂ. ૫૦૦/- પ્રવેશ દર રહેશે.
આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ