અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યું છે. જોકે, સુરક્ષા એજનસીઓની સતર્કતાને કારણે કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ પકડાયો છે. એરપોર્ટ પર તપાસ કરતા દરમિયાન સત્તાવાળાઓએ વિદેશથી લાવવામાં આવેલા અત્યંત મોંઘા અને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

તપાસ એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી ફ્લાઇટમાં આવેલા મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન 4 શંકાસ્પદ મુસાફરો પાસેથી કુલ 12.50 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશીલો અને મોંઘો ગણાતો આ હાઇબ્રિડ ગાંજો પ્લાસ્ટિકના પેકેટમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી

ઝડપાયેલા ચાર આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ અને કસ્ટમ્સ વિભાગની તપાસ મુજબ એક આરોપી વડોદરાનો રહેવાસી છે. બાકીના ત્રણ આરોપીઓ પંજાબના વતની હોવાનું ખૂલ્યું છે. આ આરોપીઓ બેંગકોકથી આ જથ્થો ગુજરાતમાં કયા હેતુથી લાવ્યા હતા અને નેટવર્ક પાછળ અન્ય કોણ માસ્ટરમાઇન્ડ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ચારેય આરોપીઓને ઝડપીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વિદેશી હાઈબ્રિડ ગાંજાની ભારતના મોટા શહેરો અને ખાસ કરીને યુવા પેઢીમાં ભારે માંગ હોવાથી આ સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: