અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું છે. વહીવટી તંત્ર વાસ્તવિકતા સ્વીકારવાને બદલે આંકડા છૂપાવવાના પેંતરા કરી રહ્યું હોય તેમ જણાય છે. શહેરની આઠ GIDC દ્વારા ફેલાવવામાં આવતા ઝેરી વાયુ વચ્ચે લોકોના ફેફસા ગૂંગળાઈ રહ્યા છે. પ્રદૂષણ માપવા માટે મુકાયેલા સફર એર મોનિટરિંગ સ્ટેશનો પોતે જ ગીચ વનસ્પતિઓ અને ઝાડી ઝાંખરાઓમાં કેદ થઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના સરેઆમ ધજાગરા ઉડાવી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનં રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. જેમાં એક બે મશીન જમીનથી થોડા ઊંચા હોવા જોઈએ તેવું SOP કહે છે જો કે તેનું પાલન નહીં થતુ હોવાનું સામે આવ્યું છે.
કૃત્રિમ રીતે હવાને ફિલ્ટર કરીને માપવામાં આવે છે
શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.રખિયાલના શ્રમિક ક્રાંતિ ગાર્ડન,રાયખડના વિક્ટોરિયા ગાર્ડન,ચાંદખેડાનું કલ્ચરલ સેન્ટર ગાર્ડન અને નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં એર મોનિટરિંગ સ્ટેશનો વૃક્ષોની હારમાળા વચ્ચે ઢંકાયેલા છે.રાયખડ જેવા વિસ્તારોમાં વૃક્ષો પર દર કલાકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ મોનિટરિંગ સ્ટેશનની આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ, પરંતુ અહીં તો કૃત્રિમ રીતે હવાને ફિલ્ટર કરીને માપવામાં આવી રહી છે.
AQIના ખોટા આંકડા બનાવી દેવામાં આવે છે
WHO અને સફર એપમાંથી મળતી માહિતી મુજબ વનસ્પતિ કુદરતી રીતે જ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોને શોષી લે છે.જ્યારે સ્ટેશન ગીચ ઝાડીઓ વચ્ચે હોય,ત્યારે તે સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાને બદલે માત્ર તે માઇક્રો ક્લાઇમેટની જ હવા માપે છે.આ કારણે ટ્રાફિક અને ઉદ્યોગોનું વાસ્તવિક પ્રદૂષણ સ્ટેશન સુધી પહોંચતું જ નથી.પરિણામે ડેટામાં પ્રદૂષણનું સ્તર વાસ્તવિકતા કરતા ઘણું ઓછું દેખાય છે.જે ડેટા મેનીપ્યુલેશન સમાન છે.જો કે અહીંયા ગાર્ડનમાં પાણીના છટકાવ માટે જ સિક્યુરિટીને રોકી રખાયા છે અને સત્તત પાણી નાખીને AQIના ખોટા આંકડા બનાવી દેવામાં આવે છે.
તંત્રની આ નિષ્ફળતા શહેરીજનો માટે જીવલેણ
તંત્રની આ નિષ્ફળતા શહેરીજનો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.જ્યારે પ્રદૂષણનો સાચો આંકડો જ બહાર નથી આવતો ત્યારે લોકો યોગ્ય સમયે હેલ્થ એડવાઇઝરીથી વંચિત રહી જાય છે.અમદાવાદમાં દિલ્હી જેવી સ્થિતિ હોવા છતાં, કાગળ પર બધું 'ઓલ રાઈટ' બતાવીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે.આ છેતરામણીને કારણે હૃદય અને ફેફસાની ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે જન આરોગ્ય સામે સીધા ચેડાં છે.હવે આ બેદરકારી પાછળ હાલ કોઈ સત્તાધારી જવાબ આપવા પણ તૈયાર નહીં ત્યારે આંકડા છુપાવાવાનું કારસતાન ક્યારે અટકે તે જોવાનું જ રહ્યું.
આ પણ વાંચોઃ Gujarat Weather : ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા, કમોસમી વરસાદના ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક