અમદાવાદમાં ઠેર ઠેર રોડ અને રસ્તાની કામગીરીને લઈને રોષ ફેલાયો છે. રસ્તા પર પડી ગયેલા ખાડા અને ગટરોના ખુલ્લા ઢાંકણાના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. જેમાં લોકોના જીવ જાય છે અને ઘણા લોકો ગંભીર ઈજાના ભોગ બને છે. ત્યારે નરોડામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. તંત્રની બેદરકારીને કારણે એક વાહન ચાલક ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

નરોડામાં તંત્રના પાપે ગયો એકનો જીવ

અમદાવાદના નરોડામાં તંત્રની બેદરકારીને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. રોડ પર ગટરના તૂટેલા ઢાંકણાને કારણે એક એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાતના અંધારામાં ગટરનું તૂટેલું ઢાંકણું નહીં દેખાતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અનેક રજૂઆત છતા ઢાંકણું બદલાયું નહોતું

સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા છ મહિનાથી આ રોડ પર ગટરના ઢાંકણા તૂટેલા છે. તંત્રમાં અનેક રજૂઆતો કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોની રજૂઆતોનો તંત્રના અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે. આ ઢાંકણાના કારણે એક વ્યક્તિનું મોત થયું ત્યાર બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યુ અને ખાડા પર કોર્ડન કર્યું હતું. આ પહેલા અનેક રજૂઆતો કરવામાં આવી પણ તંત્રની ઊંઘ ઉડી નહોતી.


આ પણ વાંચોઃ Surat News : સુરતમાં બેંકના ATM મશીન સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઇ, રૂપિયાની ટ્રે આગળ કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા