આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના ૧૨ ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે. આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં SIR સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
વિશેષ ડ્રાઇવ હેઠળ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે
જે મુજબ જિલ્લામાં નોંધાયેલા કુલ ૬૨,૫૯,૬૨૦ મતદારો પૈકી ૪૮,૦૧,૩૮૬ મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે કુલ ૧૪,૫૮,૨૬૯ મતદારોના ફોર્મ ASD એટલે કે મૃત્યુ પામેલા, ગેરહાજર (Untraceable/Absent), કાયમી ધોરણે સ્થળાંતરિત(Permanently Shifted) અને અન્ય કારણોસર પરત જમા થયા નથી. બીજી તરફ, અનમેપ્ડ રહેલા ૧૦,૪૩,૪૨૭ મતદારોની યાદી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માટે તા. ૧૬મી ડિસેમ્બર સુધી BLO દ્વારા વિશેષ ડ્રાઇવ હેઠળ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
